ગુજરાત સુરત

કોરોનાનું હોટસ્પોટ હવે અમદાવાદ થી સુરત બની રહ્યું છે ત્યારે અમદાવાદ મોડેલ પ્રમાણે સુરતમાં કોરોના કાબુમાં લેવા પ્રયાસ..

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજ સુધીના આંકડા જોઈએ તો ગુજરાતમાં કોરોના કેસોની કુલ સંખ્યા 29 હજાર ને પાર પહોંચી ગઈ છે.ત્યારે સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે.તો અમદાવાદ ની જેમ જ છેલ્લા 2 થી 3 દિવસ માં કોરોના ના કેસો સુરતમાં 100 થી વધુ નવા નોંધાઇ રહ્યા છે. ત્યારે આ બાબતે હવે રાજ્યસરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે સુરતમાં પણ કોરોના કાબૂમાં લેવા અમદાવાદ મોડલ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ રાજ્યના આરોગ્ય કમિશનર પણ સુરતમાં જ કેમ્પ કરીને કોરોના કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યા હોવાનું ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું છે.

Loading...

DyCm અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો અમદાવાદમાં ઘટી રહ્યા છે, જયારે સુરતમાં છેલ્લા 7 દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે તેને કાબૂમાં લેવા અમદાવાદ જેવું મોડેલ અપનાવી ધન્વંતરી રથ સહિતના ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય કમિશનર પણ સુરતમાં જ રહીને કોરોનાને અટકાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હોવાનું કહેતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સદનસીબે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા મુંબઇ, દિલ્હી કે તમિલનાડુ જેટલી નથી, ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા સફળતા પણ મળી રહી છે. સુરતમાં પણ છેલ્લા 7 દિવસમાં જે કેસો વધ્યા છે એ પણ 50-60 થી 100-125 જેટલા જ છે એટલે આરોગ્ય વિભાગ તેને કાબૂમાં લેવા કામ કરી રહ્યું છે.

અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેથી મહાનગરપાલિકા દ્વારા ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલની સાથે સાથે કોરોના દર્દીઓની સારવાર માટે 37 જેટલી ખાનગી હોસ્પિટલ સાથે MoU કરવામાં આવ્યાં છે. જેથી ખાનગી હોસ્પિટલમાં પણ હવેથી રિઝર્વ બેડ રાખવામાં આવશે. પાલિકા દ્વારા એટ યોર ડોર સ્ટેપ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંગે મેયરે કહ્યું કે, સામાન્ય લક્ષણો હોય ત્યારે જ દર્દી 104 નંબર પર ફોન કરે એટલે પાલિકાની ટીમ તેમની ઘરે પહોંચીને યોગ્ય સારવાર શરૂ કરી દેશે.

મેયર જગયદીશ પટેલે જણાવ્યું હતું કે, એક પણ લક્ષણ ન હોય એવા પણ કોરોના દર્દી હોય છે.કેટલાક દર્દીને લક્ષણ હોય છે.તો કેટલાક ગંભીર હોય છે.એવા દર્દીઓના અલગ અલગ સ્ટેજ હોય છે.એટલે એવા લોકો માટે કેર એટ હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આઇસોલેશનની ઘરે વ્યવસ્થા હોય એક સભ્ય દર્દીને કેર લેવા તૈયાર હોય તો એવા દર્દીને ઘરે ટ્રીટમેન્ટ માટે મંજૂરી અપાઈ છે.105 ધનવંતરી રથ ડોક્ટરની ટીમ સાથે વિવિધ વિસ્તારમાં ફરશે.રોગ પ્રતિકારક શક્તિ વધારવા મનપા દ્વારા અભિયાન શરૂ કરાશે. કતારગામ ઝોનથી ઉકાળાની શરૂઆત થશે.જેમાં સુરતવાસીઓને પણ જોડાવા મનપાએ વિનંતી કરી છે.

સુરત શહેરમાં કોરોના 3684 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 394 કેસ નોંધાયેલા છે. જેમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ 909 કેસ નોંધાયેલા છે. જ્યારે ત્યારબાદ લિંબાયત ઝોનમાં 896 કેસ છે. અનલોક-1 પહેલા લિંબાયત ઝોન સુરત શહેરનો હોટ સ્પોટ વિસ્તાર હતો. જોકે, અનલોક-1માં કતારગામમાં રત્નકલાકારો અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો થતા કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. કતારગામ ઝોનમાં છેલ્લા 24 દિવસમાં જ 651 કેસના વધારો થયો છે. જેથી કતારગામ ઝોનમાં અનલોક-1માં સાડા ત્રણ ગણો કોરોનાના કેસમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 575 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ 29,001 થયા છે. મૃત્યુઆંક 1736 એ પહોંચ્યો છે, જ્યારે 21,096 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,137 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,25,251 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,886 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *