અમદાવાદના પ્રથમ નાગરિક મેયર બીજલ પટેલ જ માસ્ક વગર દેખાયા,લોકો એ ટ્રોલ કર્યા કહ્યું કે…

કોરોના વાઇરસની મહામારીને લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. નાગરિકોને ગાઈડલાઈનને પાલન કરવાનું કહેતા પહેલા શહેરના પ્રથમ નાગરિકે પાલન કરવાનું હોય છે પરંતુ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે જ ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5000 PPE કીટ દાન કરવામાં આવી હતી. જેનો ફોટો પડાવતા સમયે તમામ લોકોએ ગાઈડલાઈન મુજબ મોંઢે માસ્ક પહેર્યા હતા પરંતુ મેયરે માસ્ક પહેર્યું ન હતું. પાંચ વ્યક્તિઓ સાથે ઊભા રહી ફોટો પડાવતી વખતે માસ્ક પહેરવું જોઈએ તેની જગ્યાએ તેઓ વગર માસ્કે ફોટો પડાવ્યો હતો.

Loading...

લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા.

ત્યારે સવાલ એ છે કે, શું અમદાવાદ મેયર પાસેથી AMC દંડ વસૂલશે ખરો ? ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ મેયર બીજલ પટેલે તોડ્યો છે. PPE કીટનું અનુદાન મેળવતી વખતે મેયરે નિયમનો ભંગ કર્યો ત્યારે શું માસ્ક ન પહેરવા બદલ તેઓ પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલાશે ખરો.

મેયર દ્વારા આ રીતે માસ્ક પહેર્યા વગર ફોટો પડાવતા શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી ગાઈડલાઈનના ભંગ બદલ દંડ વસુલવામાં આવશે? કે મેયર એક જવાબદાર નાગરિક તરીકે સામેથી જ દંડ ભરી દેશે. #HuPanCoronaWarrior અભિયાન અંતર્ગત “સેલ્ફી વિથ માસ્ક” માં હું પણ માસ્ક સાથે સેલ્ફી લઈને આ જનજાગૃતિ અને જનભાગીદારીના નવતર આયામમાં સહભાગી બની. આપ સૌને પણ નમ્ર અનુરોધ કરું છું કે આપ પણ જોડાવો. આવું ટ્વિટ કર્યું હતું પરંતુ પોતે જ માસ્ક પહેર્યા વગર બહાર દેખાતા માત્ર મેયરે દેખાડો કર્યો હોવાનું જણાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પર આ SBIના PPE કિટના દાનના ટ્વિટમાં લોકોએ મેયરના માસ્ક ન પહેરવા બદલ આલોચના અને મજાક ઉડાવી હતી. લોકોએ ખૂબ જ રમુજી કોમેન્ટ કરી પ્રથમ નાગરિકની હાંસી ઉડાવી હતી.

કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે ચલાવેલા રાહતના રસોડામાં અરવિંદ રૈયાણી માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી. ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જાહેરમાં થૂંકવા બદલ મહાનગરપાલિકા દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની પહોંચ પણ અરવિંદ રૈયાણીએ મીડિયાને બતાવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જાહેરમાં થૂકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવામાં જો સામાન્ય લોકો સામે આવુ વર્તન કરે તો મનપા તેમની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે ભાજપના મેયર સામે શું કાર્યવાહી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *