370 પર સરકારના નિર્ણયની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું : ફારૂક અબ્દુલ્લા
આર્ટિકલ 370ને હટાવવાના નિર્ણય પર નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણયની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું. પત્રકારોના સવાલના જવાબ આપતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેકનારા નથી. તે અમારી હત્યા કરાવવા માંગે છે. અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે શાંતિથી પોતાની લડાઈ લડીશું.
ગૃહ મંત્રી અમિત શાહ કહે છે કે ફારૂક અબ્દુલ્લા કસ્ટડીમાં નથી અને તેઓ પોતાની મરજીથી પોતાના ઘરમાં છે. આ સવાલ પર અબ્દુલ્લાએ કહ્યું કે હું પોતાની મરજીથી ઘરમાં કેમ રહું, જ્યારે મારુ રાજ્ય સળગી રહ્યું હોય, લોકોને જેલમાં નાખવામાં આવી રહ્યા હોય. આ તે ભારત નથી, જેમાં હું વિશ્વાસ કરું છું.
Farooq Abdullah: As soon as the gate will open & our people will be out, we will fight, we’ll go to the court. We’re not gun-runners, grenade-throwers, stone-throwers, we believe in peaceful resolutions. They want to murder us. My son (Omar Abdullah) is in jail https://t.co/Dxz4MGGOiX
— ANI (@ANI) August 6, 2019
ફારુક અબ્દુલ્લાએ આગળ કહ્યું હતું કે મારો પુત્ર ઓમર અબ્દુલ્લા ઘણા દુખમાં છે. તેમણે અમિત શાહ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે મને ઘણું દુખ થાય છે કે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે ફારુક અબ્દુલ્લાની અટકાયત કરી નથી અને તે પોતાની મરજીથી પોતાના ઘરમાં છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે કાશ્મીરને વિશેષાધિકાર આપવાના આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ ભારત સરકાર તરફથી ગેરન્ટી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે મને મારા ઘરમાં કેદ કરવામાં આવ્યો છે. 70 વર્ષથી અમે લડાઈ લડી રહ્યા છીએ અને આજે અમને દોષી ઠેરવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફારૂક અબ્દુલ્લાની સંસદમાં ગેરહાજરી મુદ્દે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, “ફારૂક અબ્દુલ્લાની ધરપકડ કરાઈ નથી કે તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા નથી. તેઓ પોતાની મરજીથી ઘરે છે.”
આ અંગે સુલેએ જણાવ્યું કે, “તો શું તેમની તબિયત સારી નથી?” તેના જવાબમાં શાહે જણાવ્યું કે, “હું તેમની તબિયત સારી કરી શકું એમ નથી. આ કામ તો ડોક્ટરનું છે.”