ગુજરાત

ગુજરાત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે આ તારીખે,જાણો કઇ તારીખે આવશે પરિણામ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોજના કમિશ્નર સંજય પ્રસાદે સમગ્ર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જાહેરાત કરી હતી. 6 મહાનગરપાલિકા 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અંગેની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખતા 12 તારીખે 3 મહિના માટે ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી.

Loading...

5 જાન્યુઆરીએ નવી મતદાર યાદી જાહેર કરી હતી, દરેક જિલ્લાને ઇવીએમ મોકલવા માટે ઓર્ડર કર્યા હતા. ચૂંટણી પંચ પાસેથી 3000 ઇવીએમ મંગાવવામાં આવ્યા હતા. પ્રાથમિક પરિક્ષણ પણ 12 જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીઓનાં ઓર્ડર પર 7 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવ્યા હતા. ચૂંટણી યોજવા માટે સીમાંકન અંગે જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ કલેક્ટર સાથે ચર્ચા કરીને સીમાંકન અને ક્ષેત્ર આરક્ષણ માટે ચર્ચા કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરો સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ કોઓર્ડિનેશન કરવામાં આવ્યું હતું.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદ્ઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેની સાથે સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે.કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.

નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે. મનપાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *