વરસાદ

રાજ્યમાં લીલો દુષ્કાળ : અમરેલીનાં બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું, બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહી છે.સૌરાષ્ટ્રના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડ્યો હતો

Loading...

સમગ્ર ગુજરાતમાં બે દિવસ (30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર)ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ પડશે. જ્યારે 2 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે. 3 ઓક્ટોબરે દક્ષિણ, દમણ અને દાદરાનગર હવેલ તથા ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદ થશે ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે અન્યત્ર વરસાદની સંભાવના નથી. 4 ઓક્ટોબરે પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરામાં વરસાદ થશે બાકીના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી.

આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા 2 ઇંચ નોંધાયો છે. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી હર્ષદ માતાજીના મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. હાલ પાણી ઓસરી રહ્યા હોવાથી 2થી 3 ફૂટ પાણી ભરાયેલા છે. જાંમનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 4થી 14 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા હર્ષદ, ગાંધવી, દેવળીયા સહિતના ગામોને સાવચેત કરાયા છે. એક ફૂટ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભારે વરસાદથી ગામડાઓ ટાપુમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાત્રાધામ હર્ષદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી મોટુ નુકશાન પહોંચ્યું છે. હર્ષદ માતાજીના મંદિર ખાતે આવતા યાત્રાળુ દર્શન કર્યા વગર પરત ફર્યા હતા. એસટી બસને અંદર જવાની મનાઈ છે. ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલા વેરાળી નં. 2 ડેમ ઓવરફ્લો થતા સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.

જૂનાગઢ અને કેશોદમાં રાતથી સવાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. દંધુસર ગામની ઉબેણ નદીમાં એક રિક્ષા અને બાઇક તણાતા ચાર વ્યક્તિ ફસાયા હતા. આથી ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે ટીમ પહોંચી હતી. ફારયબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કરી ચારેયને બચાવી લીધા હતા. કુતિયાણાથી પસવારી જતા વાડી વિસ્તારમાં સાત લોકો ફસાયા હતા. જેને એનડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. તાલાલામાં વધુ ત્રણ ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

ખાંભા પંથકમાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે આખી રાત પણ વરસ્યો હતો. વરસાદના પગલે ખાંભાની ધતારવાડી નદીમાં આ વર્ષે બીજી વખત ઘોડાપુર આવ્યું હતું. આ ઉપરાંત નાનુડી નદી, પીપળવા રોડ પંપ હાઉસ નજીક આવેલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ સાથે જ ગામના નાના નાના ચેકડેમો અને તળાવો વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા હતા. જેને પગલે ખેડૂતોમાં ખુશીની સાથે સાથે પાકને નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે.

ઉનાનાં ગ્રામ્ય પંથકમાં પણ આખી રાત વરસાદ વરસ્યો હતો. જેને લઈને રાવલ નદીમાં ઐતિહાસિક ઘોડાપુર આવ્યું છે. આ સાથે જ પાદાર ગામે હનુમાન મંદિરની દીવાલ જમીનદોસ્ત થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

અમરેલી પંથકમાં પણ ગઈકાલથી મેઘરાજા વરસી રહ્યાં છે. ત્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડતાં નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. આ સાથે જ બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું છે. બાબરા પંથકના ચમારડી, ચરખા, ઘૂઘરાલા સહિતના મોટાભાગનાં ગામડામાંઓમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ વરસી જતા જગતનો તાત નારાજ થયો છે. કારણ કે ખેડૂતોને મગફળી અને કપાસનો પાક બગડી જવાની ભીતિ સતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *