કોંગ્રેસમાંથી ગદારી કરીને ગયા નેતાઓ વિશે હાર્દિક પટેલ અડધી પીચે નિવેદનો આપી ખોલ્યા વહેચાયેલા નેતાના રાજ.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ આજે સવારે રાજકોટ પહોંચી ચુક્યા છે ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ છોડી જનાર ધારાસભ્યો આંકરા પ્રહાર કર્યા છે. આ સાથે જ તેણે ભાજપ અને ચુંટણી પંચ સામે પણ પ્રશ્નો કર્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દર વખતે રાજ્યમાં કોઈપણ ચુંટણી હોય ત્યારે ભાજપ નેતાઓ ખરીદવા નીકળી પડે છે. આ વખતે પણ રાજ્યસભાની ચુંટણી પહેલા ભાજપે 150 કરોડ રૂપિયા ધારાસભ્યોને ખરીદવા માટે વાપર્યા છે. તેનો ઉપયોગ જો કોરોનાની સારવારમાં કર્યો હતો તો અનેક લોકોના જીવ બચી ગયા હોત. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોંગ્રેસ તોડવાનો પ્રયત્ન કરી રહી છે.
હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેવા ધારાસભ્યો બાબતે કહ્યું હતું કે અંગત સ્વાર્થ અને રૂપિયા મળી જતા જે ધારાસભ્યોને રાતોરાત કોંગ્રેસ ગમતી બંધ થઈ જાય છે તે કોંગ્રેસના નહીં પણ જનતાના દોષી છે. બીજીવાર જ્યારે આવા પક્ષપલટુ નેતાઓ ચુંટણીમાં ઉતરે ત્યારે તેને જનતા જાકારો આપશે. આ તકે તેમણે એમ પણ કહી દીધું હતું કે આવા લોકોને ચપ્પલથી મારવા જોઈએ.
હાર્દિક પટેલે કહ્યું કે લોકોએ હવે જાગૃત થઇ એકજૂટતા બતાવવાનો સમય આવ્યો છે. જ્યારે પેટાચૂંટણીઓ થઇ છે ત્યારે જનતાએ પક્ષપલટુઓને ભાન કરાવ્યું છે. રાધનપુર, બાયડ સહિતની પેટાચૂંટણીઓમાં આપણે પરિણામો જોયા છે.
રાજીનામાં આપેલાં કેટલાક ધારાસભ્યો પર ખનીજ ચોરીના કેસ છે તેઓ ગયા છે. હાર્દિક પટેલે કહ્યું કે મારા માટે પદ મહત્વનું નથી. તમામ ચૂંટણીઓમાં ECના નોટિફિકેશન બાજ જ રાજીનામા પડે છે. ચૂંટણી પંચે આ અંગે ગંભીર રીતે વિચારવું પડશે.હવે જનતાએ પોતાની ભૂમિકા નિભાવવાનો સમય આવ્યો છે. જનતા સાથે દ્રોહ કરનારને જનતાએ પાઠ ભણાવવાની જરૂર છે. વારંવાર ચૂંટણીઓ યોજી જનતાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે.
હાર્દિક પટેલે કરજણના અને મોરબીના ધારાસભ્યોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે કરજણના ધારાસભ્યના દિકરા વિરુદ્ધ ખનીજ ચોરીના કેસ ચાલે છે, મોરબીના ધારાસભ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ચાલતા પાર્લરોમાં ભાગ છે. આવા નેતાઓ સ્વાર્થ સાધવા ભાજપ સાથે જઈ રહ્યા છે.
હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તે કોઈ પદ માટે નથી લડી રહ્યો તે લોકોની ચિંતા કરી લડવામાં માને છે. તેના માટે પદ મહત્વનું નથી. તેણે ઉમેર્યું હતું કે હાર્દિક પટેલ પદ વિના પણ શોભે જ છે. આ તકે તેણે ચુંટણી પંચ પર પણ પ્રહર કર્યા હતા કે તેમણે પક્ષપલટો કરતાં નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે હાલ થતી નથી.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ચૂકી છે. ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમયે નારાજ થઈને રાજીનામુ આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યાં છે. છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે નવી રણનીતિ ઘડાઈ રહી છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સોંપવામાં આવી છે. હાલ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા, હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો નિલસીટી ક્લબ ખાતે પહોંચી ગયા છે. જ્યારે સાંજ સુધીમાં બીજા ધારાસભ્યો પહોંચી જશે. જો કોઈ ધારાસભ્યને બહાર જવુ હશે તો પાર્ટીની મંજૂરી લેવી પડશે.
નીલીસીટી ક્લબ પહોંચેલા હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે ભાજપ સામ-દામ-દંડની નીતિ અપનાવી રહી છે. આવો લોકોને ફરી મત ન આપવાની જવાબદારી જનતાની છે. કોંગ્રેસ પણ ચિંતન કરી રહ્યું છે. અમુક ધારાસભ્ય અને પોતાની કેપેસિટી ક્ષમતાથી વધુ પૈસા ઓફર થતાં ધારાસભ્યો આવું કરી રહ્યાં છે. જે ગદાર છે. આવા લોકોના દીકરાઓને પણ ખબર પડવી જોઈએ કે તેનો બાપ વેચાયો છે.
આ સાથે જ વિક્રમ માડમે કહ્યું કે ભાજપ પાસે ધારાસભ્ય ખરીદવાનો સમય છે. પરંતુ ખેડૂતોનાં ઘઉં, ચણા કે અન્ય પાક ખરીદવાનો સમય નથી.ધારાસભ્યોને ખરીદવાના બદલે એટલા પૈસા વેન્ટિલેટરમાં નાખ્યા હોત તો સારૂ હતું. જે ધારાસભ્યો વેચાય જાય છે તેને ચંપલથી મારવા જોઈએ. આ સાથે જ કહ્યું કે અમે કોઈ ધારાસભ્ય ના માથે ગન લઈને બેઠા ન હોઈ કે તમે ક્યાય ન જાવ. કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારને લોકો નહિં છોડે. આ સાથે જ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 25 કરોડમાં આખી કોંગ્રેસ ખરીદી શકાય તે નિવેદન પર જવાબ આપતા કહ્યું કે 25 કરોડમાં આખી કોંગ્રેસ તો દૂર 25 લાખ કરોડમાં વિક્રમ માડમની ટચલી આંગળીનું ટેરવું પણ નહિં ખરીદી શકાય
ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે અમે ભાજપમાં જવાના નથી અને હવે કોંગ્રેસમાં કોઈ નેતા નારાજ પણ નથી. જ્યારે લલિત કગથરાએ કહ્યું કે ભાજપ નામનો વાયરસ છે. આ વાયરસ અમારા ધારાસભ્યને બધુ આપીને લઈ જાય છે.
આ ધારાસભ્યો નીલસીટી ક્લબ પહોંચ્યા,લલિતભાઈ વસોયા,લલિતભાઈ કગથરા ,મોહમદ પીરજાદા,પરેશભાઈ ધાનાણી, વિક્રમભાઈ માડમ,મોહનભાઈ વાળા,ભગવાનજીભાઇ બારડ
સૌરાષ્ટ્રના ધારાસભ્યોને ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને બોલાવવામાં આવતા સ્થાનિક કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી અનેક સવાલો થઈ રહ્યાં છે કે શું સૌરાષ્ટ્રમાં એક પણ ધારાસભ્ય એવા સક્ષમ નથી કે જે ધારાસભ્યોને સાચવી શકે? વિરોધપક્ષના નેતા પણ સૌરાષ્ટ્ર ના છે, અનેક કદાવર નેતાઓ કોંગ્રેસમાં છે. તો શું પ્રદેશ કોંગ્રેસના નેતાઓને આ નેતાઓ પર ભરોસો નથી? એક સમયના નારાજ ઇન્દ્રનીલ સિવાય સૌરાષ્ટ્રમાં બીજો કોઈ વિકલ્પ નથી? જેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.