KKRને લાગ્યો મોટો ઝટકો,પેટ કમિન્સ ઈજાના કારણે IPL 2022માંથી થયો બહાર,જાણો
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ફાસ્ટ બોલર પેટ કમિન્સ હિપની ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. cricket.com au ના સમાચાર અનુસાર, તે શ્રીલંકાના પ્રવાસ પહેલા સંપૂર્ણ સ્વસ્થ થવા માટે સિડની પરત ફરશે. જો કે, આ અંગે ફ્રેન્ચાઇઝી દ્વારા હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
કમિન્સે આ સિઝનમાં KKR માટે પાંચ મેચમાં સાત વિકેટ ઝડપી છે. જેમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને ચિમને જીત તરફ દોરી હતી. બંને ટીમો વચ્ચેની પ્રથમ મેચમાં કમિન્સે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી અને KKRને મુંબઈ સામે રોમાંચક જીત અપાવી હતી.
KKR ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. ટીમના 12 મેચમાં 10 પોઈન્ટ છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની કોલકાતાની આગામી મેચ શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાની છે. બીજી તરફ છેલ્લી લીગ મેચ બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે.ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા ઓક્શનમાં કોલકાતાએ કમિન્સને રૂ. 7.25 કરોડમાં ખરીદ્યો હતો.
જણાવી દઈએ કે જૂન મહિનામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ 7 જૂને ત્રણ મેચની T20I શ્રેણી સાથે શરૂ થશે. જોકે, કમિન્સ T20I શ્રેણી માટે ટીમનો ભાગ નથી. 14 જૂનથી પાંચ મેચની વનડે સિરીઝ અને 29 જૂનથી બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે. કમિન્સ ઈચ્છે છે કે તે ઈજામાંથી સાજો થઈને વન-ડે શ્રેણીમાંથી મેદાન પર પાછો ફરે.