વરસાદ

ધ્રોલના લતીપુરમાં ભારે વરસાદને લીધે ઘોડાપૂર, ગામ સંપર્ક વિહોણું

જામનગર જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ધ્રોલ પાસેનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. લતીપુર ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી દર વર્ષે ત્યાં પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે ત્યારે ગઈકાલે રાતથી વરસેલા ભારે વરસાદના પગલે લતીપુરમાંથી ઘોડાપૂર જેવા પાણી વહ્યા હતા. ધ્રોલ પંથકમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા લતીપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

Loading...

લતીપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘમહેર થઈ છે. રાજકોટ શહેરમાં 20 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાત્રીના વરસેલા વરસાદના પગલે અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરોમાં 4 ફૂટ સુધીના પાણી ભરાયા હતા.

ભારે વરસાદના પગલે ધ્રોલનું લતીપુર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. હાલમાં તંત્ર કે કોઈ પણ ટીમ સ્થાનિક વિસ્તારમાં પહોંચ્યું નથી. દરમિયાન સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અનેક ઠેકાણે ડેમ અને ચેકડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ શ્રીકાર વરસાદ સાબીત થઈ રહ્યો છે.હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. ગઈકાલે બનાસકાંઠાના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *