Uncategorised વરસાદ

મહુધામાં 11 ઈંચ વરસાદ ખાબકયો, લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની વરસાદની આગાહી પ્રમાણે રાજ્યના તમામ જીલ્લા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. ઠેર ઠેર નદીઓ છલકાઈ છે, પુરના પાણીથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો, રોડ રસ્તા પાણી પાણી થઈ જતા જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. ત્યારે ખેડા જિલ્લામાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી વચ્ચે જિલ્લાના મહુધામાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 275 મિ.મિ. એટલે કે 10 કલાકમાં જ 11 ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં પણ બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન 168 મિ.મિ. એટલે કે બે કલાકમાં જ સાડા છ ઈંચ વરસાદ પડ્યો છે.

Loading...

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જીલ્લાના મહુધામાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.10 ઈંચથી વધુ વરસાદ પડતા વરસાદના પાણીથી ખેતરો છલકાઈ ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે પાકને નુકશાન પહોંચ્યાની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. અહીં મોટા પાયે ડાંગરના પાકને નુકશાન પહોંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.ભારે વરસાદને પગલે મહુધા ડાકોર રોડ પણ પ્રભાવિત થયો છે. વાહન ચાલકોએ ક્યાં થઈને અવર જવર કરવી તે ખબર નથી પડી રહી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ દેખાય છે. આ બાજુ ડાકોરમાં પણ ભારે વરસાદને લઈ મંદિર રોડ પર પાણી ભરાઈ ગયા છે.

લોકોને સલામત સ્થળે ખસવા માટે સુસજ્જ રહેવા અનુરોધ :
ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર સુધીર પટેલે લોકોને તકેદારી રાખવા સૂચના આપી છે. વરસાદના સંજોગોમાં બહાર નહિં નીકળવા, પાણી ભરાયા હોય એવા સ્થળો, નદી કાંઠાઓ, તળાવો, ચેકડેમોથી દૂર રહેવા, વીજ પોલ અને ટ્રાન્સફોર્મરથી દૂર રહેવા અને જરૂર લાગે ત્યારે સલામત સ્થળે ખસવા માટે સુસજ્જ રહેવા અનુરોધ કર્યો છે. આ સિવાય કલેક્ટરે તમામ તાલુકા પંચાયત તંત્ર, જિલ્લા પંચાયત તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે.

તેની સાથે સાથે નડીયાદ નગરપાલિકા તંત્રને પણ એલર્ટ કર્યું છે. તમામ તાલુકા પૂર નિયંત્રણ કક્ષોને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ સાથે સતત સંપર્ક જાળવવા અને વરસાદી ઘટનાઓની સતત જાણ કરવા સૂચના આપી છે.

દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં વરસાદ :
હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કુકરમુંડામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે નીઝરમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ઉચ્છલ,સુબિર અને માંગરોળમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંડવી અને સોનગઢમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં 1 મિમિથી લઈને 8 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *