મગફળીના પાથરા વચ્ચે વરસાદમાં પલળતા હોય તેવો સરપંચ નો વીડિયો વાયરલ…

‘મહા’ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા મગફળી સહિતના ખેતી પાકોને નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામના સરપંચનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં સરપંચ લાલજીભાઇ ખેતરમાં તૈયાર થયેલા મગફળીના પથારા વચ્ચે વરસાદમાં પલળી રહ્યા છે. ગામના ખેડૂતોની મગફળી પલળી જતા સરપંચ દુઃખી જોવા મળી રહ્યા છે. જસદણ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદને લીધે મગફળીના પાકને ભારે નુકશાન થયું છે.

Loading...

‘મહા’ વાવાઝોડાની અસરને પગલે જસદણના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વરસાદી ઝાપટા બાદ ભારે વરસાદ શરૂ થયો છે. જસદણના ભંડારીયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને ધાસચારાને ભારેનુકસાન થયું છે. જેથી ધરતીપુત્રો ચિંતામાં મૂકાઇ ગયા છે.રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, અમીન માર્ગ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત મોરબીના કાગદળી અને કોઠારીયા ગામે 2થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
સરપંચ નો વાઇરલ વીડિયો:-

તો બીજી તરફ રાજકોટના જ ખેરડી ગામ તેમજ પડધરી તાલુકાના દહીંસરડા ગામમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયાં હતાં જેથી કાપણી કરેલી મગફળીનો પાક ખરાબ થઇ ગયો હતો. બંને ગામના સરપંચના જણાવ્યા અનુસાર સાંજના સમયે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો અને 3 ઈંચ જેટલો ખાબકી જતા ગામના ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 8 તારીખ સુધી વરસાદની શક્યતા છે. ખેડૂતોને પોતાનો પાક ઘરમાં સંગ્રહ કરવાની ફરજ પડી છે. મગફળી કદાચ ઘરમાં સમાઈ જાય પણ તેનો પાલો કે જે ઉનાળામાં પશુઓ માટે ઘાસચારાની ગેરહાજરીમાં મુખ્ય ખોરાક બની જાય છે તે પલળતા તેનું પણ મોટું નુકસાન થયું છે.

વરસાદની આગાહીને પગલે ખેરડીના ખેડૂતોએ પાલો પ્લાસ્ટિકથી ઢાંક્યો હતો પણ ભારે વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાતાં મગફળીના પાથરા અને ઢાંકીને રાખેલા પાલા પણ પલળ્યા હતા. જ્યારે દહીંસરડામાં હલર માટે રાખેલી મગફળીના પાથરા ડૂબી જતા લાચાર બનીને બગડેલી મગફળી જોઇ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *