ગુજરાત જાણવા જેવું સૌરાષ્ટ્ર

ખોડલધામના નિર્માતા મેનેજમેન્ટ ગુરુ તરીકે બિરુદ્ધ મેળવનાર એવા નરેશભાઈ પટેલ નો આજે છે જન્મ દિવસ

ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન અને જેને વિશ્વ મેનેજમેન્ટ ગુરુ નું બિરુદ મળ્યું છે એવા માનનીય શ્રી નરેશભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે તો જાણીએ તેમના જીવન વિશે. નરેશ પટેલ કહે છે કે,‘ખોડલધામ મંદિરનો સૌથી પહેલો પ્લાન મારા હાથમાં આવેલો, એને મેં રિજેક્ટ કરી નાખ્યો હતો અને આ વાત આજે પહેલી વખત તમને કહી રહ્યો છું!’

Loading...

હાફસ્લીવનું સફેદ શર્ટ, ફૉર્મલ પૅન્ટ, મોજાં વગર પહેરેલાં સિમ્પલ શૂઝ અને વીંટી-ચેઇન તો શું કાંડે ઘડિયાળ વગરનું એ જ સિમ્પલ છતાં ગમતીલું લાગે એવું વ્યક્તિત્વ નામે નરેશ પટેલ અચાનક જ એવી વાત ઉચ્ચારે છે કે સાંભળવાવાળાના કાન અને મારા જેવા લેખકોની કલમ સાબદી થઈ જાય. નરેશ પટેલ અને સૌરાષ્ટ્રના કાગવડમાં બનેલું લેઉવા પટેલ સમાજનું પ્રથમ, એકમાત્ર તેમ જ મિસાલરૂપ ખોડલધામ તીર્થ હવે એકબીજાના પર્યાયવાચી શબ્દો ગણાય છે. માત્ર પિસ્તાલીસ વરસની ઉંમરે સાવ સ્વપ્નવત્ લાગે એવી કલ્પનાઓને માત્ર સાત જ વરસમાં મૂર્તિમંત કરી દેવામાં જેમની નિષ્ઠા, દાનત, શ્રદ્ધા, મહેનત, ધગશ, ઉત્સાહ, શાખ, પ્રતિષ્ઠા, પૈસા, વિઝન, મૅનેજમેન્ટ સ્કિલ, આવડત પારખવાની ક્ષમતા અને વિશ્ર્વાસ મૂકવાની હિંમત સૌથી વધુ નિમિત્ત અને જવાબદાર હોય એ જ વ્યક્તિ ખોડલધામ મંદિરની પ્રથમ બ્લુપ્રિન્ટ તરત સ્ટૅન્ડ-બાય મોડ પર મૂકી દે તો નિશ્ચિત એની પાછળ તગડું કારણ જ હોવાનું.

‘હા, કારણ હતું જ!’ નરેશ પટેલ કારણ કહે છે. ‘મને ખોડલધામ મંદિરનો જે પ્રથમ પ્લાન દેખાડવામાં આવેલો એમાં મંદિરનું શિખર એકસો સત્તાવન ફૂટ ઊંચું બનાવવાનું દર્શાવવામાં આવેલું. એ જ વખતે મને કહેવામાં આવ્યું કે સોમનાથ મંદિરનું શિખર એકસો ચોપન ફૂટ ઊંચું છે… મને આ યોગ્ય ન લાગ્યું. સોમનાથ મંદિરની ઊંચાઈ કરતાં ખોડલધામની ઊંચાઈ વધુ રાખીને હું કોઈ ખોટી પરંપરા સર્જવા કે કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવામાગતો નહોતો કે આવા કોઈ ગિમિક્સ દ્વારા ઇતિહાસ રચવો એ મને વાજબી ન લાગ્યું એટલે મેં પ્લાનમાં ફેરબદલ કરાવ્યો. ખોડલધામની ઊંચાઈ એ પછી એકસો તેત્રીસ ફૂટની રાખવામાં આવી!’

ખોડલધામ તીર્થની એક બીજી વિશિષ્ટતા પણ આંખે વળગે અને હૈયું ઠારે એવી છે. મા ખોડલની ધજા કરતાં વધુ ઊંચાઈએ ભારતનો રાષ્ટ્રધ્વજ ખોડલધામમાં લહેરાય છે. જી, આ નરેશ પટેલની નિશ્રા અને નિગેહબાનીમાં બનેલું ખોડલધામ છે. લેઉઆ પટેલ સમાજનાં કુળદેવી એવાં મા ખોડલ(ખોડિયાર)ના સો એકરમાં ફેલાયેલા આ ધામમાં એકસો બાર પિલર અને બાવન બીમ ધરાવતા મંદિરમાં અન્ય સમાજનાં 14 કુળદેવીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. ભૂકંપપ્રૂફ બાંધકામમાં લોખંડને બદલે ત્રાંબાનો ઉપયોગ કરીને તૈયાર થયેલા મંદિર ફરતે છસ્સો મૂર્તિઓ ઉપરાંત બાવન શક્તિપીઠોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.

ખોડલધામના નામે અનેક રેકૉર્ડ અંકિત થયા છે અને એમાં પણ નરેશ પટેલ જ નિમિત્ત. તારીખોનો વિક્રમસર્જક સંયોગ જુઓ. 21 જાન્યુઆરી, 2011ના દિવસે ખોડલધામની શિલાન્યાસ વિધિ થઈ. 2012ના એ જ દિવસે શિલાપૂજન વિધિ થઈ. 2014ની 21 જાન્યુઆરીએ જ ખોડલધામમાં એશિયાનો સૌથી મોટો કૃષિમેળો યોજાયો. 2015માં એ જ દિવસે ઇન્ડિયાઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં નોંધાઈ ગયેલા એશિયાના સૌથી મોટા (521 યુગલ) સમૂહલગ્ન સમારોહનું આયોજન થયું અને એ જ દિવસે, નરેશ પટેલે જાહેરાત કરી દીધી કે 21 જાન્યુઆરી, 2017ના ખોડલધામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને 1008 કૂંડનો હવન થશે, ત્યાં સુધી હવે કોઈ મોટાં આયોજનો કરવામાં નહીં આવે. આ જાહેરાત પછી ખોડલધામ સાથે સંકળાયેલા અનેક લોકોનો ઉચાટ વધી ગયેલો કે બે જ વરસમાં પચાસ-સાઠ કરોડ(કુલ ખર્ચ સિત્તેર કરોડથી વધુ)નું બજેટ ધરાવતું ખોડલધામ પાર પડી જશે ખરું? નરેશ પટેલ મર્માળુ હસે છે, ‘પણ બહેનો, માતાઓ અને વડીલોના ‘દુ:ખણાં’ (આશીર્વાદ) ફળ્યાં અને માતાજીએ પાર પાડી દીધું!’

પાર પડ્યું એમ કહેવું એ તો અર્ધસત્ય કહેવાય. 2017માં અઝીમો શાનશૈલીથી ખોડલધામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. એ દિવસે નરેશ પટેલની કાર ખોડલધામમાં પ્રવેશી ત્યારે તેમની પાછળના રસાલાની છેલ્લી કાર (પંચાવન કિલોમીટર દૂર) રાજકોટમાં હતી. એ દિવસે ખોડલધામ ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં નોંધાયું, બીજી વખત. પહેલી વખત ગિનેસે પોતાનો ચોપડો ખોડલધામ માટે ખોલવો પડ્યો હતો 2012માં. ‘ગિનેસ બુક’માં જવાનું પણ સાવ આકસ્મિક રીતે જ મારી સાથે બન્યું હતું!’ નરેશ પટેલ યાદ કરે છે, ‘2011માં શિલાયન્સ વિધિ વખતે બધા પોતપોતાની રીતે અનુમાન લગાવતા હતા. મારું અનુમાન હતું કે અઢીથી ત્રણ લાખ લોકો આવશે… આવ્યા દસ લાખથી વધુ! બીજા દિવસે આ વાત મેં એક બિનપટેલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે કરી તો તે બોલી ગયા કે યાર, ગિનેસ બુકવાળાને તમારે બોલાવવા જોઈએ. તેમની વાત સાંભળીને મને સ્પાર્ક થયો. મેં મારી ટીમને વાત કરી અને બે વખત ગિનેસ બુકમાં ખોડલધામ (2011માં એકવીસ હજાર યુગલોના હસ્તધૂનન માટે અને 2017માં રાષ્ટ્રગીતના સામૂહિક સમૂહગાન માટે) નોંધાઈ ગયું!’

2010થી 2017 વચ્ચે ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા સહિત પાંચ ભવ્ય કાર્યક્રમો કર્યા અને દરેક વખતે માનવ-મહેરામણની સુનામી ઊમટી છતાં એક પણ અકસ્માત, દુર્ઘટના કે બીજા નાનામોટા અણબનાવ સુધ્ધાં બન્યાં નહોતાં, એનો યશ પણ નરેશ પટેલના ચોપડે જ જમા કરવો પડે એમ છે, કારણ કે મહાદેવના આ માનીતા ભક્તે (ખોડલધામના દરેક આયોજન પછી તેઓ સીધા સોમનાથ જઈ મહાદેવનાં દર્શન સૌ પહેલાં કરતા. એ પછી જ રાજકોટ પોતાના ઘરે જતા!) ખોડલધામના સર્જનમાં વાણિયાઓની સમજણ, બોચાસણવાસી સંસ્થાના ટેકનોક્રૅટ સંતોની કુનેહ, આઇઆઇએમના મૅનેજમેન્ટ નિષ્ણાતો જેવી કાર્યશૈલી અને નરેન્દ્ર મોદી જેવા અડીખમ અભિગમના કૉકટેલમાં પટેલ તરીકેની કોઠાસૂઝ અને આકરી કસરત જેવી મહેનતથી સવા કરોડ લેઉવા પટેલોને સંગઠિત કરતું શ્રદ્ધા-સેવા-શક્તિનું પ્લૅટફૉર્મ તો ઊભું કરી જ દીધું, પણ અન્ય કરોડો લોકો માટે આસ્થાનું ઉપવન પણ ખડું કરી દીધું ખોડલધામના નામે.

પ્રાણપ્રતિષ્ઠા પછી તરત જ તેમણે ખોડલધામ ટ્રસ્ટનું પ્રમુખપદ (ટ્રસ્ટીઓના આગ્રહવશ ચૅરમૅનપદ પર ચાલુ રહ્યા) છોડી દીધું, એટલું જ નહીં; પોતાની ટીમના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને ખજાનચીની જગ્યા પર લેઉવા પટેલ સમાજના યુવાનોને હોદ્દેદારો બનાવી દીધા. ‘આપણે દરેક ક્ષેત્રમાં સેકન્ડ લાઇન તૈયાર કરવામાં હંમેશાં મોડું જ કરતા હોઈએ છીએ અથવા તો સેકન્ડ લાઇન તૈયાર કરતા જ નથી!’ ફરી દૃઢતાથી નરેશ પટેલ કહે છે, ‘મારે ખોડલધામમાં એવું નહોતું જોઈતું એટલે પ્રાણપ્રતિષ્ઠા પછી તરત જ ટ્રસ્ટનું સુકાન અન્ડર ફોર્ટીની ટીમના હાથમાં સોંપી દીધું!’

કોણ છે આ અલગ મિજાજનો માણસ? કઈ ઘંટીનો આટો ખાઈને ઘડાયો છે?વિશ્વકક્ષાનું ખોડલધામનું સપનું છંછેડી ગયું એ પહેલાં નરેશ પટેલ શું કરતા હતા? ખોડલધામના સાત વરસના નિર્માણકાળ દરમિયાન પરિસ્થિતિનો ફજેતફાળકો તેમને પણ ઊંચે અને નીચે લઈ ગયો હશેને? કેવી રીતે તેે એમાંથી પાર ઊતર્યા?

પોતાની પ્રતિષ્ઠા અને ઓળખ એક ‘ઇમેજ’માં કેદ થઈ ગયા પછી વ્યક્તિ એને બદલતી નથી યા બીજા શબ્દોમાં કહી શકાય કે એને બદલી શકાતી નથી. અવ્વલ દરજ્જાની મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોવા છતાં એ.આર. રહેમાન સંગીતકાર તરીકે જ યાદ રહેવાના છે તો અનેક ઉમદા કાર્ય તેમ જ ડાઉન ટૂ અર્થ અભિગમ છતાં નારાયણ મૂર્તિ ‘ઇન્ફોસિસ’ના જનક તરીકેની ઇમેજ સાથે અમર થઈ ગયા છે. બહુ મુશ્કેલ કામ છે આ. પોતાની જ એક આગવી ઓળખને ચાતરી જઈને વધુ મોટી, વધુ આદરણીય અને અમરત્વ ધરાવતી નવી પહેચાન મેળવવી. અને નરેશ પટેલ આ ચોકઠામાં ફિટ બેસે એવા મહારથી છે. 2010 સુધી તેમની ઇમેજ – તેમની ઓળખ એક સફળતમ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને બિઝનેસમૅનની હતી. તેમની ‘પટેલ બ્રાસ વકર્સ’ કંપની આમ જુઓ તો ગુજરાતના પ્રથમ દરજ્જાના પચ્ચીસ ઉદ્યોગગૃહમાં હક્કથી સ્થાન પામે એવી છે અને કેમ ન હોય?

પિતા રવજીભાઈ પટેલે સર્જેલી અને તેમના જ ત્રણ પુત્રો રમેશભાઈ, મહેશભાઈ અને નરેશભાઈને દુનિયાના બાવીસ દેશોમાં પહોંચાડીને ‘પટેલ બ્રાસ વર્ક્સ’ થકી તેમણે ભવ્ય ભારતના નામનો ઝંડો ઑલરેડી લહેરાવી દીધો હતો અને ત્યારે હજુ ‘મેઇક ઇન ઇન્ડિયા’ શબ્દનો જન્મ પણ નહોતો થયો. પિતા રવજીભાઈ પટેલના ‘ગુડ હ્યુમન બીઇંગ’ બની રહેવાના સંસ્કાર-નીતિ તેમ જ બડેભાઈ રમેશભાઈ અને મહેશભાઈનું ક્વૉલિટીલક્ષી ટેક્નિકલ નૉલેજ અને નરેશ પટેલની માર્કેટિંગની સૂઝે જે નક્કર અચીવમેન્ટ્સની ઊંચાઈ પ્રાપ્ત કરી એ કદાચિત આખા ગુજરાતમાં મુઠ્ઠીભર લોકોએ પણ પ્રાપ્ત નહોતી કરી, નથી કરી.

શું છે એ સિદ્ધિ? કઈ રીતે પિતાનો વારસો વધુ મહાકાય સ્વરૂપે આ ત્રણેય લેઉવા પટેલ પુત્રોએ આગળ વધાર્યો એ – ફાસ્ટ ફૉરવર્ડ શૈલીમાં પણ જાણવું જરૂરી છે. નાની ઊંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દેનારા અને માતાની મમતા-ક્ષમતાના પાલવ નીચે મોટા થયેલા રવજીભાઈએ પહેલાં નોકરી કરી, પછી દુકાન. આ આઝાદી સમયની વાત. ભારતમાં સવા કરોડ લેઉવા પટેલ છે અને બિગ એમ્પાયર (ઝાયડસ કૅડિલા, સુઝલોન, નિરમા, બાલાજી અને સુરતમાં તો અનેક ડાયમંડ કિંગ) લેઉવા પટેલોના નામે જ બોલે છે. હેસિયતથી મોટાં સપનાં અને કલ્પનાથી મોટા સાહસની ગળથૂથી ગટગટાવીને ઊછરતા હોય એવા પાણીદાર લેઉવા પટેલો છે. રવજીભાઈએ દુકાન પછી ફાઉન્ડ્રી કરી અને બ્રાસનાં બટન, સેવના સંચા, ગળણાં બનાવવાના શરૂ કરીને ‘પટેલ’ બ્રૅન્ડને મજબૂત કરી. 1955માં રાજકોટમાં ઑઇલ એન્જિન બનવાની શરૂઆત થઈ. હવે તો રાજકોટ ઑઇલ ઍન્જિન અને બૅરિંગનું હબ ગણાય છે પણ એ વખતે ઓઈલ ઍન્જિન માટેના બૅરિંગ ઇમ્પોર્ટ કરવા પડતા હતા. પોતાની કોઠાસૂઝ, ધગશ અને મહેનતથી રવજીભાઈએ એ બેરિંગ રાજકોટમાં બનાવ્યા (વળી પાછું આ મેઈક ઈન ઈન્ડિયા કાં યાદ આવે!) અને ઑઇલ ઍન્જિન ઉદ્યોગને ‘ઇમ્પોર્ટની લાચારી’માંથી મુક્ત કર્યો. રવજીભાઈએ 1960માં બેરિંગ બનાવવા શરૂ કર્યા અને 1965માં તેમને ત્યાં ત્રીજા પુત્રરત્ન નરેશ પટેલનો જન્મ થયો.

રાજાઓના કુંવર માટે બનેલી રાજકોટની ‘રાજકુમાર કૉલેજ’ અને ‘સેન્ટી મૅરી સ્કૂલ’માં ભણીને રાજકોટની જ કૉલેજમાં શિક્ષણ પૂરું કરનારા નરેશ પટેલ ‘પ્રતાપી’ અને ‘પ્રભાવી’ તો કૉલેજકાળથી જ હતા. એ વખતે ડિફેન્સમાં જવાનાં ખ્વાબ હતાં. સંગીત પણ શીખેલા અને બાસ્કેટબૉલના નિપુણ ખેલાડી હતા. જોકે ડિફેન્સમાં જવાનું સપનું, સંગીતના સૂર અને બાસ્કેટબૉલ માટેની સ્પોર્ટ્સમૅન સ્પિરિટ કરતાં સ્નેહનો સ્કોર ચડિયાતો થઈ ગયો. પ્રેમમાં પડ્યા પછી નરેશ પટેલ હરિયાણાના જૈન કુટુંબના દીકરી શિવાંગી સાથે પરણી ગયા અને એ જ વરસે (1986માં) બિઝનેસમાં આવી ગયા. ‘પટેલ બ્રાસ વર્ક્સ’ને નવા માર્કેટિંગ ચીફ મળ્યા. પણ 1960માં હોમમેઇડ બેરિંગ આપનારા તેજસ્વી પિતાનાં હોનહાર સંતાનો વારસો જાળવીને જ નહીં, ચીલો ચાતરીને જ જીવે. નરેશ પટેલના સૌથી મોટા ભાઈ ઇચ્છતા હતા કે બિઝનેસમાં થોડો ચેન્જ લાવવો જોઈએ.

સતત પાંચ વરસની આકરી મહેનત, લેટેસ્ટ રિસર્ચ અને લમણાંની નસ ફાટી જાય એવા સખત સ્ટડી પછી ‘પટેલ બ્રાસ વકર્સ’માં ટ્રેનમાં, સ્ટીમરમાં અને હેલિકૉપ્ટરમાં વપરાતાં બેરિંગ બનવા માંડ્યાં. પીબીડબ્લ્યુ(પટેલ બ્રાસ વકર્સ)એ બનાવેલાં ચાર ઇંચથી સોળ ઇંચ (જૂના જમાનાની ઘંટી કરતાં મોટી સાઇઝ થતી આ!) સુધીનાં બેરિંગ માત્ર ભારતીય ટ્રેનમાં જ નહીં; જર્મની, ઇટલી, નેધરલૅન્ડ્સ, ડેન્માર્ક, ઑસ્ટ્રિયા, પોલૅન્ડ, યુ.કે. જેવા બાવીસ દેશોમાં સપ્લાય થાય છે અને ત્યાંની ટ્રેન કે શિપ કે સ્ટીમરમાં વપરાય છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડમાં પણ નરેશ પટેલની કંપનીએ બનાવેલાં બેરિંગ જાય છે કે જે હેલિકૉપ્ટરમાં વપરાય છે. જીઈ (જનરલ ઇલેક્ટ્રિકલ), સીમેન્સ, માન જેવી મલ્ટિનૅશનલ કંપનીઓમાં નરેશ પટેલની પીબીડબ્લ્યુ ડાયરેક્ટ બેરિંગ સપ્લાય કરે છે!

ઑઇલ એન્જિનનાં બેરિંગ બનાવતાં-બનાવતાં ટ્રેન, સ્ટિમર અને હેલિકૉપ્ટરનાં બેરિંગ બનાવવાનો વિચાર આવે એ ઘટનાને શાંત ચિત્તે વિચારો તો એવું જ લાગે કે જાણે પાર્કિગમાં કાર મૂકતાં-મૂકતાં આખો પાર્કિગ-પ્લૉટ ખરીદી લેવાનો વિચાર આવવો – જેને આપણે કાર લૉક કરતાં પહેલાં જ ખંખેરી નાખીએ, પણ રવજીબાપાની ત્રિમૂર્તિએ એને સાથર્ક કરી બતાવ્યો અને…

‘2009માં મેં તમારો ડીટેલ્ડ ઇન્ટરવ્યુ કરેલો ત્યારે તો ‘ખોડલધામ’નો તમે ઉલ્લેખ પણ નહોતો કરેલો, તો આ વિચાર આવ્યો ક્યારે અને કેવી રીતે?’ પોતાની ઑફિસમાંથી ખોડલધામ ટ્રસ્ટની કૉન્ફરન્સ રૂમમાં આવીને મારી સમક્ષ કોઈ ભાર વગર બેઠેલા નરેશ પટેલના ઇન્ટરવ્યુમાં સૌથી પહેલો પ્રશ્ર્ન સકારણ આ જ કર્યો. કારણ સ્વયંસ્પષ્ટ હતું.સાત જ વરસમાં પીબીડબ્લ્યુનાનરેશ પટેલની ઓળખ બદલાઈ ગઈ હતી. બદલાઈને પ્રચંડ થઈ ગઈ હતી. હવે નરેશ પટેલ એટલે ખોડલધામ છે, ખોડલધામ અટલે નરેશ પટેલ. હવે નરેશ પટેલ માત્ર અગ્રણી ઉદ્યોગપતિ કે ‘મેઇક ઇન ઇન્ડિયા’ શબ્દના પૂર્વજ નથી. ગુજરાતના ધાર્મિક-સામાજિક કક્ષાનાં ‘સેવન વન્ડર’ (અંબાજી, પાવાગઢ, દ્વારકા, સોમનાથ, પાલિતાણા, ડાકોર)માં હક્ક અને આદરથી સ્થાન લઈ લેનાર ખોડલધામના સર્જક -સ્વપ્નદ્રષ્ટા છે.

‘એ વિચાર તો જૂનો હતો.લગભગ પંદર-વીસ વરસ જૂનો. હું ભાઈ (નરેશ પટેલ પિતા રવજીભાઈ માટે ‘ભાઈ’ સંબોધન જ વાપરે છે!) સાથે સામાજિક કાર્યક્રમો વગેરેમાં જતો ત્યારે નોંધતો કે લેઉવા પટેલ સમાજમાં અનેક સંસ્થા, મંડળો છે, પણ એ જે-તે વિસ્તાર કે પ્રદેશ પૂરતાં જ રહેતાં. સવા કરોડ લેઉવા પટેલને સંગઠિત કરી શકે એવું કશું નહોતું. હું એના માટે વિચારતો રહેતો. થતું કે એક એવું છત્ર હોવું જોઈએ જ્યાં આખો સમાજ સંગઠિત થાય અને જેના માટે તમામના હૃદયમાં અપાર આદર તેમ જ શ્રદ્ધા હોય!’ નરેશ પટેલ કહી રહ્યા છે, ‘તમે જે અરસામાં મળવા આવેલા ત્યારે પણ હું આ બાબતે મીટિંગો – ચર્ચાઓ તો કરતો જ હતો. વિચારવલોણું પણ ચાલતું રહેતું. એ વખતે જ એક તારણ પર પહોંચાયું કે વિરાટ જનસમૂહને સંગઠિત માત્ર ધર્મના નેજા હેઠળ જ કરી શકાય. શ્રદ્ધાથી મોટી કોઈ શક્તિ નથી!’

2010માં આખરે નરેશ પટેલે પાશેરામાં પહેલી પૂણી મૂકી દીધી. ટ્રસ્ટ બનાવ્યું અને ખોડલધામ માટે જમીન ખરીદવાનો મનસૂબો પોતાની નજીકના પચાસ લોકો સમક્ષ જાહેર કર્યો. માત્ર ચાલીસ મિનિટમાં બે કરોડ રૂપિયા ભેગા થઈ ગયા અને એ જ વરસે રાજકોટથી પંચાવન કિલોમીટર દૂર આવેલા કાગવડ પાસે સિત્તેર એકર (પછીથી બીજી ત્રીસ એકર જમીન પણ ખરીદી લેવામાં આવી) જમીન લઈ લેવામાં આવી. આમ જુઓ તો રણવિસ્તારમાં વરસાદ(વરસે તો અને ત્યારે)થી બચવા માટે રેઇનકોટ ખરીદી લેવા જેવી જ ચેષ્ટા હતી, કારણ કે નરેશ પટેલ અને તેમના અંગત વર્તુળના બે-ત્રણ ડઝન મિત્રો-સમાજના અગ્રણીઓ સિવાય ખોડલધામથી લગભગ આખો સમાજ અનભિજ્ઞ હતો, પણ નરબંકા તો વાતાવરણ સૂંઘી યુદ્ધભૂમિ પર પહોંચી જાય, હાકલ પડવાની રાહ ન જુએ… ખોડલધામ બનાવવાનું મનોમન ઠાની લેનારા નરેશ પટેલે 21 જાન્યુઆરી, 2017માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરીને ખોડલધામ રાષ્ટ્રને અર્પણ કર્યું ત્યાં સુધીમાં બે વખત એ ગિનેસવર્લ્ડ રેકૉર્ડ્સમાં અને ઇન્ડિયા બુક ઑફ વલ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવી ચૂક્યું હતું, પણ…

નાનામાં નાની જીત હોય કે મોટામાં મોટી સફળતા, એ આકરી કસોટી તો કરતી જ હોય છે. ‘2010થી 2017નાં સાત વરસની યાત્રા દરમિયાન ટૂંકમાં કહું તો ચડાણ વધુ આવ્યું છે, ઉતાર બહુ ઓછો!’ નરેશ પટેલ વન-લાઇનર સુણાવીને મારી સામે જુએ છે. નિરુત્તર રહીને હું તેમને જ બોલવા દઉં છું. ?2010માં ખોડલધામનું કામ નક્કર રીતે આગળ વધાર્યું ત્યારે અમે ઠેકઠેકાણે મીટિંગ લેવા જતા. અમારી પાંચેક કાર હોય અને અમે પંદરેક લોકો હોઈએ. સ્થળ પર ઊતરીને જોઈએ તો સાંભળવાવાળી દસ જ વ્યક્તિ હોય! બહાર નીકળીએ તો પાનના ગલ્લે વીસ-પચ્ચીસ લોકો કુતૂહલથી ઊભા હોય કે આ બધા શું કામ આવ્યા છે? લાંબી ડીટેલમાં તો હું નહીં જાઉં, પરંતુ બે પ્રસંગ મને યાદ છે. ખોડલધામની શરૂઆતના મહિનાઓમાં (2010માં) મને એક સંતે આશીર્વાદ અને હિંમત આપતાં પેલી કરચલાઓની બોધકથા કહી હતી. ઢાંકણા વગરના એક ક્ધટેનરમાં ઘણા-બધા કરચલાઓ લઈ જવાતા હતા. એમાંથી બહાર આવવાનો પ્રયાસ કરનાર કરચલાનો પગ બીજા કરચલાઓ ખેંચ્યા કરતા હતા. પરિણામે એકેય કરચલો એ કેદમાંથી બહાર નીકળી શક્યો નહોતો… અને અંતે બોધકથા કહીને તેમણે ઉમેરેલું કે તારા પગ ખેંચવાવાળા પણ નીકળશે; પણ તું અડગ રહેજેે, પગલાં આગળ જ ભરજે અને પાછીપાની ન કરતો!’

‘2010 પછી મેં ખોડલધામ માટે લાખો કિલોમીટરનો પ્રવાસ કર્યો અને એક અંગત પ્રસંગ સિવાય મારા મિત્ર બકુલ સોરઠિયા દરેક વખતે મારી સાથે જ પ્રવાસમાં રહ્યા છે. એક વખત અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેણે મને પૂછી લીધેલું: ભાઈ, આપણે બરાબર તો ચાલી રહ્યા છીએને?’ (મતલબ ખોડલધામ નું કામ હાથમાં લઈને આપણાથી ખોટો નિર્ણય તો નથી લેવાયોને?)

2011 (શિલાન્યાસ વિધિ) અને 2012 (શિલાપૂજન વિધિ) પછી ખોડલધામ સંકુલમાં બે વરસના અંતરાલ પછી 2014માં કૃષિમેળાનું આયોજન થયું હતું, પરંતુ વચ્ચેના ગાળામાં કશુંક એવું બન્યું કે નરેશ પટેલ અને કંઈક અંશે ખોડલધામ પણ ચર્ચાની એરણે ચડી ગયું. એવી છાપ વહેતી થઈ કે ખોડલધામ થકી નરેશ પટેલ પોતાની ‘પૉલિટિકલ એમ્બિશન’ પૂર્ણ કરવા માગે છે, ‘ખરેખર તો અમને રાજકારણના રંગે રંગી નાખવામાં આવ્યા હતા!’ કોઈ ખેદ કે અફસોસના ભાવ વગર નરેશ પટેલ સમજાવે છે કે ‘ખોડલધામના બે કાર્યક્રમોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ લેઉવા સમાજના આગેવાન હોવાના કારણે અધ્યક્ષપદે હતા. 2012માં જ તેમણે અલગ પાર્ટી બનાવી. અમારે તેમને રોકવા જોઈતા હતા, પણ અમે રોકી શક્યા નહીં. આમ પણ એ તેમનું ક્ષેત્ર હતું એટલે અમે ચૂપ રહ્યા, પરંતુ એનાથી સમાજ અને સોસાયટીમાં મેસેજ એવો ગયો કે ખોડલધામ કેશુભાઈની સાથે છે. એ સાચું કે આ ‘માન્યતા’એ અમારા સમાજથી લઈને સરકારી લેવલ સુધી દરેક તબક્કે અમને બ્રેક મારી. ડોનેશન આવતાં અટકી ગયાં હતાં એવી વાતમાં પણ અતિશયોક્તિ વધારે છે. દરેક કિસ્સામાં જાહેર થયેલાં ડોનેશનનાં ત્રીસ ટકા ડોનેશન આવતાં હોતાં નથી. એ સહજ છે, પણ ખોડલધામમાં આવા ડોનેશનનું પ્રમાણ માંડ દસ ટકા જેટલું જ રહ્યું હતું. બેશક, આવતી કાલે કોઈને ચેક આપવાનો હોય અને બૅલૅન્સ જ ન હોય એવુંય બન્યું, પરંતુ એ જ સાંજે કોઈના ડોનેશનનો ચેક આવી ગયો હોય એવી માતાજીની મહેર પણ સતત અમારી સાથે રહી છે!’

‘અમે સમય પસાર થવા દીધો અને શાંત જ રહ્યા!’ નરેશ પટેલ તેમનું નિર્ભેળ હાસ્ય વેરતા કહે છે, ‘હા, એ વાતની કાળજી અમે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વખતે લીધી કે ખોડલધામ પર કોઈ પક્ષ કે બૅનર ન આવી જાય. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આગલા ત્રણ દિવસ મુસ્લિમથી માંડીને તમામ સમાજના લોકો ખોડલધામ આવ્યા હતા અને એ દિવસથી મને એ વાતનો પણ સંતોષ મળ્યો કે ખોડલધામ પરથી અમે ‘પટેલિઝમ’નું લેબલ પણ દૂર કરી દીધું છે!’

‘તમે માનશો, ખોડલધામના નિર્માણનાં સાત વરસ દરમિયાન મારામાં વ્યક્તિગત ઘણો ચેન્જ આવી ગયો છે. મને લાગે છે કે મારામાં સ્થિરતા આવી છે અને સ્વીકારભાવ વધ્યો છે. પહેલાં હું અલગ વ્યક્તિ હતો. હવે હું તત્કાળ રીઍક્ટ નથી કરતો!’ ખોડલધામ પછી તમારી લાઇફમાં શું ચેન્જ આવ્યો છે એવા પ્રશ્ર્નના જવાબમાં નરેશ પટેલ તરત જકહે છે,?હવે નૉર્મલ દિવસો જીવવા મળે છે પણ નિર્માણનાં સાત વરસ દરમિયાન એ સંભવ નહોતું થતું. આ જ વરસોમાં મારી બન્ને દીકરીઓનાં લગ્ન પણ થયાં. બિઝનેસનું કામ પણ હું નિયમિત જોતો. હું ક્યાંય હોઉં પણ મારા બિઝનેસના કોર મેમ્બર સાથે સવારે નવ વાગ્યે કૉન્ફરન્સ કરીને ડે ટુ ડેનું વર્ક હું જોઈ લેતો. સાત વરસ દરમિયાન ખોડલધામ માટે લાખો કિલોમીટરનો પ્રવાસ (પોતાના સ્વખર્ચે, ટ્રસ્ટના ખાતે નહીં!) મારે કરવાનો આવ્યો. અરે, અમેરિકાના પ્રવાસે જઈને પણ હું ત્રણ દિવસમાં પાછો ફર્યો છું અને જર્મનીની જે ફ્લાઇટમાં ગયો હોઉં, એ જ ફ્લાઇટમાં રિટર્ન પણ થઈ ગયો છું. વિમાનના ક્રૂ મેમ્બર પણ મને જોઈને ચકિત થઈ જતા: સર, તમે તો આ જ ફ્લાઇટમાં સવારે આવેલા, ખરુંને?’

… પણ હકીકત એ છે કે આ સાત વરસની શરીરતોડ દોડાદોડી, દિમાગતોડ કૉન્ટ્રોવર્સી, ડગલે ન પગલે આવી ચડતા પડકારોએ નરેશ પટેલને અમરત્વ આપી દીધું છું, ખોડલધામ સ્વરૂપે!

સવા કરોડ લેઉવા પટેલને સંગઠિત કરવાના શુભ ઇરાદાથી નિર્માણ પામેલા ખોડલધામની સૌથી મોટી ફળશ્રુતિ તો એ જ કે આખા ગુજરાત અને છ કરોડ ગુજરાતીઓને એક તીર્થ મળ્યું. ખોડલધામ તો અમે 2011માં જ રાષ્ટ્રને અર્પણ કરી દીધું હતું. હા, એ પણ આનંદની વાત છે કે અમરેલીથી માંડીને છેક અમેરિકામાં વસતા લેઉવા પટેલોને એવી લાગણી જન્મી છે કે ખોડલધામ આપણું છે!

પહેલાં એવો વિચાર હતો કે ખોડલધામમાં યાત્રિકોના ઉતારા માટે અતિથિગૃહ કે ધર્મશાળા કે ગેસ્ટહાઉસ જેવું કશુંક ડેવલપ કરવું; પણ હવે એ વિચાર પડતો મૂક્યો છે, કારણ કે પૂનમના દિવસે પણ લાખ-સવા લાખ શ્રદ્ધાળુઓ ખોડલધામ આવે છે… આ અવિરત પ્રવાહ જોતાં લાગ્યું કે ગમે એટલા રૂમ કે ઉતારાની વ્યવસ્થા કરીએ તો પણ પૂરતી ઠરવાની નથી. નાહક મનદુ:ખો જન્મે એના કરતાં એ વિચારને પડતો મૂકવાનું જ અમને યોગ્ય લાગ્યું છે!

ખોડલધામમાં શિક્ષણ સંકુલ કે હૉસ્પિટલ બનાવવાનો વિચાર પ્રથમ રીતે સાચો લાગતો હતો, પણ પછી થયું કે માત્ર કાગવડ (ખોડલધામ)માં આવું કરવાથી કંઈ તમામ લોકો સુધી કે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી ન શકાય. બેટર છે કે આ કામ જિલ્લા લેવલ કે શહેર લેવલે થાય. મને લાગે છે કે શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ અને એમાં પાયાને મજબૂત કરવાનું કામ કરવું જોઈએ એટલે પ્રાઇમરી એજ્યુકેશનમાં ખોડલધામ ટ્રસ્ટ નક્કર કામ કરશે અને ખોડલધામ ખાતે હેલ્થ પ્રિવેન્શન સેન્ટર કરવાનું પ્લાનિંગ છે. રોગ કે બીમારી થાય જ નહીં એનું માર્ગદર્શન અને સચોટ જીવનશૈલીનો પ્રસાર થાય એ કામ અમે કરીશું.

ના, હું રાજકારણમાં આવવાનો નથી, કારણ કે મારી માનસિકતા પણ એ માટેની નથી. મહાદેવની કૃપા અને માતાજીના આશીર્વાદથી માત્ર સમાજ માટે કામ કરવું છે. અહીં એક સ્પષ્ટતા કરી દઉં. (પટેલોમાં ‘સમાજ’ એટલે પોતાની જ્ઞાતિ) સમાજ એટલે સમગ્ર સમાજની હું વાત કરું છું. અમારા સરદાર ભવનમાં અમે જી.પી.એસ.સી.ની તાલીમ આપીએ છીએ. એમાં આ વર્ષે એકાવન વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા એમાં એકત્રીસ નૉન-પટેલ છે. આવું જ યુ.પી.એસ.સી.ની એકઝામનું પરિણામ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *