ગુજરાત

ગુજરાતમાં માસ્ક પર રાજકારણ, કોંગ્રેસનો આરોપ: રૂપાણી સરકાર રોગચાળાના સમયે નફો કમાવામાં વ્યસ્ત…

સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ના કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોના નો આંકડો 13 હજાર ને પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને કારણે 800 લોકોનાં મોત નીપજ્યાં છે. ચેપ ફેલાવવા ની વચ્ચે રાજકારણ ગરમ થવાનું શરૂ થયું છે. આ કટોકટી દરમિયાન પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ચાલુ છે. હકીકતમાં, ગુજરાતમાં વિરોધી પક્ષ કોંગ્રેસનો આરોપ છે કે વિજય રૂપાણી સરકાર કોરોના રોગચાળા વચ્ચે ગુજરાતના લોકોના નાણાંથી નફો કરી રહી છે.

Loading...

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રૂપાણી સરકારે કહ્યું હતું કે N95 માસ્ક 65 રૂપિયામાં પૂરા પાડવામાં આવશે જ્યારે ગુજરાતમાં અમૂલ દૂધના 2000 પાર્લરમાં ત્રણ લેયર માસ્ક 5 રૂપિયામાં આપવામાં આવશે. આના પર કોંગ્રેસે હવે રૂપાણી સરકારને ઘેરી લીધી છે.

કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત મેડિકલ કોર્પોરેશન લિમિટેડ કંપની રાજ્યના વિવિધ વિભાગોમાં N95 માસ્કની ખરીદી કિંમત 49.61 રૂપિયા છે. આ સરકારી કંપનીએ અન્ય સરકારી વિભાગોને પણ આ ભાવે N95 માસ્ક ખરીદવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર હવે તેમાં નફો કરીને 49.61 રૂપિયામાં લીધેલા N95 માસ્ક 65 રૂપિયામાં વેચી રહી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટમાં લખ્યું છે કે, “સરકારમાં રોગચાળાના સમયે લોકોને મદદ કરવાને બદલે ભાજપના લોકો નફો કમાવામાં વ્યસ્ત છે..”

ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા કહે છે કે N95 માસ્ક સામાન્ય રીતે 100, 150, 200 રૂપિયામાં બજારમાં મળે છે. લોકોની સલામતી એ રૂપાણી સરકારની પ્રાથમિકતા છે. જેથી દરેકને N95 માસ્કનું રક્ષણ મળી શકે, તે અમૂલ પાર્લર ખાતે આપવામાં આવી રહ્યું છે. માસ્કમાં જીએસટી અને પરિવહન ખર્ચ લગાવામાં આવ્યો છે. આ પછી તેની કિંમત 65 રૂપિયા થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સાંજ સુધીમાં કોરોના ની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોનાં મોત નિપજ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 13273 થયો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 802 થયો છે. અને રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 5880 થયો છે. આમ રાજ્યનો રિકવરી રેટ 44.03 ટકા થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *