સુરત જિલ્લામાં વરસાદે ગાભા કાઢી નાખીયા,બીજા દિવસે પણ ધમાકેદાર ઇનિંગ

સુરત જિલ્લાના તમામ નવ તાલુકામાં બુધવારે બીજા દિવસે પણ વરસાદની ધમાકેદાર ઈનિંગ સતત ચાલુ રહી હતી. તમામ તાલુકામાં ત્રણથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ રાતથી બપોરે ૨ વાગ્યા સુધીમાં પડવાના કારણે છેલ્લા ચાર દિવસથી જિલ્લાનો તમામ વિસ્તાર તરબોળ થઈ ઉઠયો છે.નાની મોટી તમામ નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ રહી છે. જયારે ખાડી,કોતરો અને ખેડૂતોની ક્યારીઓ પણ પાણીથી છલોછલ થઈ ગઈ છે. અનરાધાર ધોધમાર વરસાદના કારણે જિલ્લાનું જનજીવન ભારે પ્રભાવિત બન્યુ છે. બપોરે ૨ઃ૦૦ વાગ્યા પછી પણ જિલ્લાના તમામ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડવાનો ચાલુ રહ્યો હતો.

Loading...

મહુવા તાલુકામાં ૨૬ ગામોને જોડતા ૧૩ કોઝવે પાણીમાં ગરક થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું. કોઝવે પાણીમાં ગરક થઈ જતાં ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો ઘણા ગામોના વાહન ચાલકોએ કામ અર્થે જવા માટે લાંબો ફેરો લગાવવો પડયો હતો.

બારડોલી તાલુકામાં મીઢોળા નદી પણ બે કાઠે વહી છે. આજે પહેલીવાર કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પણ રેલનું પાણી આવ્યુ હતું. તે સિવાય ચીકખાડી, વેજનાથખાડી અને અન્ય નાનામોટા કોતરો તેમજ ખેડૂતોની ક્યારીઓ પણ ધોધમાર વરસાદના કારણે છલોછલ થઈ જવા પામી હતી. લગાતાર વરસાદના કારણે બારડોલીમાં આજે શૈક્ષણિક કાર્ય પણ ખોરવાયેલુ જોવા મળ્યુ હતું.

પલસાણા તાલુકામાં ગઈ કાલે બે ઈંચ જેટલો વરસાદ પડયા બાદ આજે બપોર સુધીમાં પલસાણા તાલુકામાં ચાર ઈંચ જેટલો ધોધમાર વરસાદ તુટી પડયો હતો. સતત વરસાદના કારણે નાના કોતરો અને કડોદરાની ખાડીઓ તથા ખેડૂતોની કયારીઓ પણ છલોછલ થઈ જવા પામી હતી. આ ઉપરાંત કામરેજ તાલુકામાં ગઈ કાલે દોઢ ઈંચ જેટલો વરસાદ બડયા બાદ આજે બપોર સુધીમાં ચાર ઈંચ જેટલો ધોધમાર વરસાદ તુટી પડયા હતો.લગાતાર વરસાદના કારણે ખાડીઓ અને ખેતરાળીઓમાં પાણી ભરાયા હતા.

આ ઉપરાંત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગઈ કાલે સાત ઈંચ જેટલો વરસાદ પડયા બાદ આજે બપોર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદના કારણે આ વિસ્તારના નાના મોટા કોતરો તથા ખાડીઓ તથા ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા.ત્યાર બાદ ઉમરપાડા તાલુકામાં ગઈ કાલે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડયા બાદ આજે બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ તુટી પડયો હતો. લગાતાર વરસી રહેલા વરસાદથી આ વિસ્તારની ખાડી,કોતરો અને ખેડૂતોની ક્યારીઓ પણ પાણીથી છલોછલ થઈ જવા પામી છે. અનરાધાર ધોધમાર વરસાદના કારણે જિલ્લાનું જનજીવન ભારે પ્રભાવિત બન્યુ છે.

ઉપરવાસ ઉપરાંત સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનરાધાર વરસાદના કારણે વેહલવ અને તરકાણી ગામને જોડતો કોષખાડી પરનો કોઝવે,કોષ અને ઉપલી કોષને જોડતો કોષ ખાડી પરનો કોઝવે,વાલોડ તાલુકામાં ઘાણી અને બામણામાળને જોડતો ઓલણ નદી પરનો કોઝવે,ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે,સેવાસણ અને વાછાવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝવે,મહુવાના અલગટ અને વાલોડના અલગટ ગામને જોડતો ખાડી પરનો કોઝવે,કઢૈયા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે, નળધરા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે, ઘડોઈ અને ગોપલા ગામને જોડતો ખાડી પરનો કોઝવે, મહુવરીયા અને હળદવા ગામની વચ્ચે કોતર પર આવેલા કોઝવે, ધોળીકુઈ અને દેદવાસણ ગામને જોડતો કોતર પર આવેલો કોઝવે, વાઘેશ્વર અને ઘડોઈ ગામને જોડતો કોઝવે, ધામખડી અને માછીસાદળા ગામને જોડતો ઓલણ નદી પર આવેલ કોઝવે આ તમામ પાણીમાં ગરક થતાં કોઝવેની બંન્ને તરફના ૨૬થી વધારે ગામડાના લોકોનો અવરજવર થંભી ગયો હતો. લોકોએ નદી,ખાડીઓ પરના કોઝવે ડુબવાના કારણે લાબા ચકરાવા લઈને પોતાના કામે જવું પડયુ હતું.