ગુજરાત માં ધુળેટીના દિવસે માવઠા ની આગાહી, રાજસ્થાનમાં વરસાદની વધુ એક સિસ્ટમ સર્જાઈ…

ગુજરાત રાજ્યમાં 10 માર્ચે ફરીથી ખેડૂતો પર અવકાશી આફત વરસી શકે છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ગગડેલા તાપમાનને કારણે હજી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 5 માર્ચનાં કમોસમી વરસાદ બાદ ફરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 8 અને 9 માર્ચ વાતાવરણ સામાન્ય રહેશે. જે બાદ 10મી તારીખે એટલે ધૂળેટીનાં દિવસે રાજસ્થાનમાં સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાઇ શકે છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠાંની શક્યતા પણ વધી રહી છે. એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં માવઠાંની શક્યતા વધુ પ્રબળ બની રહી છે.

Loading...

ઉત્તર ગુજરાતમાં શનિવારે સવારે 5.30 કલાકે 12.9 થી 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગગડેલા તાપમાનના કારણે 3 ડિગ્રી સુધી ઠંડીનું પ્રમાણ વધતાં જાણે હજુ શિયાળો ચાલી રહ્યો હોય તેવી ઠંડી અનુભવાઇ હતી. જો કે, બે દિવસ બાદ બપોરે 2.30 કલાકે પારો 30 ડિગ્રીની પાર જતાં સામાન્ય ગરમી અનુભવાઇ હતી. નોંધનીય છે કે ઠંડી પૂરી થતા જ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. 5મી માર્ચે પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે કારણ કે માંડમાંડ હજુ તો કમોસમી વરસાદની સમસ્યાથી છૂટકારો મળ્યો ત્યાં ફરીથી આ સમસ્યા માથું ઉચકી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8 અને 9 માર્ચે વાતાવરણ સામાન્ય રહેશે. જેના કારણે ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. ત્યાર બાદ રાજસ્થાનમાં ફરી એકવાર એટલે કે 10 મી માર્ચે સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાઇ શકે છે. વાતાવરણમાં આવનાર આ પલટાના કારણે ઉત્તર ગુજરાત વાદળછાયું વાતાવરણ બનવાની સાથે છુટાછવાયા માવઠાંની શક્યતા પણ વધી છે. એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં માવઠાંની શક્યતા વધુ પ્રબળ બની રહી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠા અને દ્વારકામાં પણ વરસાદની સંભાવના છે. વળી સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

નોંધનીય છે કે, પાંચમી માર્ચે ડાંગ જિલ્લાનાં આહવા, વધઇ, બોરખલ, ચીંચલી સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો. આ સાથે લોકોએ શુક્રવારે ત્રણ ઋતુઓનો અહેસાસ કર્યો હતો. ડાંગમાં ઠંડી અને ગરમીનાં માહોલ વચ્ચે વરસાદથી ટાઢક પસરી ગઇ હતી. વધઇ તાલુકાનાં બારખાંદિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો. હાલમાં હોળી નિમિત્તે આહવામાં ડાંગ દરબારનો મેળો ચાલુ છે દરમિયાન કમોસમી વરસાદ તૂટી પડતા વેપારીઓનો વેચાણ અર્થે લાવેલ સામાન ભીંજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *