વરસાદ

આ વરસાદે રોડની સાથે સત્તાધિશોની આબરૂ પણ ધોઇ નાખી.

આદ્યશક્તિની ભક્તિનો તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે. બરાબર આવા સમયે જ મહેસાણા શહેરના માર્ગો સતત વરસાદને કારણે ધોવાઈ ગયા છે. એમાંય માલ ગોડાઉન-અર્બન રોડ, મોઢેરા રોડ, રાધનપુર રોડ અને ડૉ. આંબેડકર બ્રિજ સહિતના ચાર રોડની હાલત તો વાહન ચાલકોને વાહન લઇને તો ઠીક ચાલતાં નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે. નવરાત્રિમાં માતાજીને ગરબે રમવા નિમંત્રણ આપતો પ્રાચીન ગરબો “સાથિયા પુરાવો દ્વારે દીવડાં પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે… ‘માં માતાજીના સામૈયા માટે માર્ગમાં કુમકુમના સાથિયા પૂરવાની શ્રદ્ધા વ્યક્ત કરાઈ છે, પરંતુ અહીં તો શહેરીજનો પાલિકા તંત્ર ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે.

Loading...

જાણો ડૉ. આંબેડકર બ્રિજ ની સ્થિતિ

સ્થિતિ: ડૉ.આંબેડકર બ્રિજ ઉપર વરસાદી ધોવાણમાં પુરાણ કરેલા ખાડા ફરી ખુલ્લા થઇને મહાકાય બન્યા છે. લોખંડના સળિયા ફરી ઉઘાડા થઇ જતાં વાહન ચાલકો માટે જોખમરૂપ બની શકે છે. આખાયે બ્રિજમાં નાના મોટા 100 જેટલા ખાડામાંથી મોટાભાગના ખાડા કોંક્રિટ ખરી જતાં ખુલ્લા થયા છે.
કારણઃ ભારે વાહનોનો ધસારો અને વરસાદના કારણે ખાડા પુરાણ વધુ સમય ટકતું નથી. રેલવે તેમજ આર એન્ડબી વિભાગના સંયુક્ત બ્રિજમાં વચ્ચે રેલવેએ બનાવેલા ભાગમાં વધુ ગાબડાં સર્જાયાં છે. નબળી ગુણવત્તાના કારણે રોડની હાલત બે વર્ષથી ખરાબ થઇ છે. આ બ્રિજ પરના ખાડા પુરવામાં બે વખતમાં રૂ. 75 હજાર ખર્ચ કરાયો છે.

જાણો મોઢેરા રોડ ની સ્થિતિ અને કારણ

સ્થિતિઃ મોઢેરા રોડમાં ટહુકો પાર્ટીપ્લોટ નજીક ખાડામાં કોંક્રિટ નાંખ્યા પછી નાના નાના 50થી વધુ ખાડા પડી ગયા. અવસર પાર્ટી પ્લોટ નજીક પણ આવી જ હાલત છે. નારાયણનગરના રહીશ સંજયભાઇ પટેલે કહ્યું કે, આ તો ખાડા પૂર્યા છે કે વેઠવાળી છે.
કારણઃ આ રોડ બનાવ્યાને ત્રણ વર્ષ થયા નથી એટલે એજન્સીરાહે રોડની મરામત તો કરાઇ, પણ કોંક્રિટ પાથરી રોલર નહીં ફેરવતાં ફરી ખાડા સર્જાયા. વળી આ રોડમાં વરસાદી પાણીની લાઇનમાં ગટરનાં જોડાણોના કારણે પાણી ઉભરાતાં રોડ પર ખાડા પડે છે.

જાણો રાધનપુર રોડ ની સ્થિતિ અને કારણ

સ્થિતિઃ રાધનપુર રોડ ઉપર સાંઇક્રિષ્ના હોસ્પિટલ આગળ પૂરેલા ખાડા ફરી પડી ગયા છે. પુરાણ પછી તેમાં નાના નાના 30 જેટલા ખાડા સર્જાયા છે. જેમાં બેલેન્સ ગુમાવે તો સ્લીપ ખાઇ જવાની ભીતિ વાહન ચાલકોને સતાવતી રહે છે. ઢોરોનો પણ ત્રાસ છે.
કારણઃ ખાડા પિચિંગ રોડ લેવલ કર્યા વિના કરાયું છે. વળી તાજા ડામર કામ પછી વાહનોનું આવાગમન તરત શરૂ થતાં ઉબડ ખાબડ બની ગયો છે. રોડનું રિસરફેસિંગ કામ બરાબર ન હોઇ ત્રણ વર્ષમાં રોડની હાલત ખરાબ થઇ ગઇ છે.
જાણો માલગોડાઉન અર્બન રોડ ની સ્થિતિ અને કારણ

સ્થિતિઃ 6 વર્ષ જૂના માલ ગોડાઉન, અર્બન બેંક રોડની એક સાઇડે દર પાંચથી દશ ડગલે ગાબડાં છે. પાર્વતીનગર નજીક ખાડામાં પથ્થરોનો ટેકરો કરી દેવાયો છે. વિઠ્ઠલપાર્ક ગોકુલ આર્કેડ આગળ, અર્બન બેંકની આસ્વાદ કોર્નર સુધી ત્રણ બમ્પ અને એક ખાડો, સરદારપટેલ ભવન આગળ રોડનું ધોવાણ, ગજાનંદ ફ્લેટથી અહીં સુધી છ નાના ખાડા અને 15 થીંગડા લાગ્યા છે. સ્થાનિક વેપારી જયંતિભાઇ પટેલે કહ્યું કે, કેબલ નાંખવા ખાડો કર્યાને ચાર મહિના થયા, માટી નાંખી ગયા હતા. અમે સરખુ કરી ચલાવીએ છીએ.
કારણઃ એક સાઇડમાં છ મહિના પહેલાં રોડ થયો, પણ બીજી સાઇડમાં છ વર્ષ પછીયે નવો રોડ ન બનાવાયો. બે વર્ષમાં અહીં ત્રણ વખત ખાડા પૂર્યા. ગટર લાઇન, કેબલ મરામત માટે ખાડા કર્યા પછી અધકચરા પુરાણના કારણે રોડ તૂટી ગયો. પાલિકાનો બાંધકામ વિભાગ કહે છે જીઇબીએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનો હોઇ એકસાઇડ રોડ બનાવવાનો બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *