કાંકરિયા દુર્ઘટનામાં ઘાયલ કિશોરનો જીવ બચાવવા ડાબો પગ કાપવો પડ્યો, જમણામાં સળિયા નખાયા

અમદાવાદ ના કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કલોલના 15 વર્ષીય કિશોરની સોમવારે એલજી હોસ્પિટલનાં 8 ડોક્ટરોની ટીમે 4 કલાક સર્જરી કરી હતી. પરંતુ, દુ:ખની વાત એ છે કે, કિશોરનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો ડાબો પગ કાપવો પડ્યો છે. જ્યારે જમણા પગની સર્જરી કરી સળિયા નાખ્યા છે.

Loading...

એલજીના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે, રવિવારની દુર્ઘટનામાં કલોલના ભાવસાર પરિવારનો એક માત્ર પુત્ર તીર્થ, બહેન બીજલ અને રૂપાંગી સોમાણીને ઇજા થઇ હતી. તીર્થનો ડાબા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ છૂંદાઇ ગયો હતો, અને જમણા પગે પણ ફ્રેક્ચર તેમજ માથા અને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી.

તીર્થના પગમાંથી વધુ પડતું લોહી વહી જતાં પલ્સ પણ પકડાતી ન હતી. તેને વેન્ટિલેટર પર રાખીને 8 ડોક્ટરોની ટીમે જહેમત કર્યા પછી રાત્રે 12.30 કલાક બાદ તેની પલ્સ આવી હતી. પરંતુ પગમાંથી વહેતું લોહી રોકવા 4 કલાકની સર્જરી બાદ તીર્થ થોડો પ્રતિભાવ આપતો થયો છે, પણ હજુ 48 કલાક તેના માટે ક્રિટિકલ ગણાય. તે ઓપરેશન ટેબલ પર મૃત્યુ પામવાની શક્યતા 90 ટકા હતી.

કાંકરિયા દુર્ઘટનામાં 2નાં મોત પાછળ પૂર્વ કોર્પોરેટરનો દીકરો, ભાઈ અને તેના પુત્ર તેમજ કર્મચારીઓ સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે પણ આ રાઈડના જરૂરી પ્રમાણપ્રત્ર આપનાર લેક ફ્રન્ટના ડાયરેક્ટર, આર એન્ડ ડી વિભાગના બે ઈજનેર પોલીસના લાઈસન્સ ખાતાના જવાબદાર અધિકારી અને મોનિટરિંગ નહીં કરનાર મેયર પણ એટલા જ જવાબદાર છે. આ તમામ જરૂરી પ્રમાણપત્રો ઈશ્યૂ કરી દીધા પરંતુ તેની ચકાસણીની કોઈ તસ્દી નહીં લેતા રવિવારે દુર્ઘટના બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *