વરસાદ

વડોદરા માં કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય જોવા મળ્યું, દોઢ મહિના ના બાળકને ટોપલામાં લઈને બચાવાયું

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની એક સોસાયટીમાં પિતાના માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા.જેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ કૃષ્ણને લઇ જતા વાસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી મા યમુનાએ માર્ગ કરી આપ્યો હતો. પણ આ પિતા કે વાલીએ તો ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી માર્ગ કાઢવો પડ્યો હતો.

Loading...

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.પૂર સહિતની કુદરતી આપદાઓમાં બચાવ અને રાહતના કાર્યોમાં એનડીઆરએફ હંમેશા અગ્રેસર રહે છે. એ પરંપરાને આગળ ધપાવતા એનડીઆરએફ જરોદના તાલીમબદ્ધ જવાનોની 4 ટુકડીઓ અત્યારે વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના ફસાયેલા લોકોને ઉગારવાનું કામ થાક્યા વગર કરી રહ્યા છે. જવાનો બોટ, લાઈફ બોટ, લાઈફ બોયા સહિતની સાધન સુવિધા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે. અને વડોદરા સિટીમાંથી 96 લોકોને ઉગાર્યા છે.

એનડીઆરએફના જરોદ ના અધિકારીશ્રી હિમાંશુ બડોલાએ આપેલી જાણકારી અનુસાર એનડીઆરએફની ટુકડીઓએ વડોદરાના વિવિધ જળગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 96 લોકોને ઉગારીને સલામતી બક્ષી છે. જેમાં એકલા સમા વિસ્તારના 79 અસરગ્રસ્તોનો સમાવેશ થાય છે.એનડીઆરએફએ હાઇ વે પર બસ અને કારમાં ફસાયેલા 12 લોકોને ઉગાર્યા છે. જરોદ ગામના નિચાણવાળા વિસ્તારોના પાણીના ભરાવાથી જળમગ્ન બનેલા 2 ઘરોના 6 લોકોને સલામત સ્થળે ખસેડયા છે. એનડીઆરએફની બટાલિયનનું મથક વડોદરા પાસે જરોદ ગામમા હાલોલ તરફના હાઇ વે પર આવેલું છે. બડોલાના જણાવ્યા પ્રમાણે જરોદથી વડોદરા સુધીના સમગ્ર રસ્તા પર વરસાદને લીધે ભારે ટ્રાફિક જામ્યો હતો તેમ છતાં આ ટુકડીઓએ જહેમતપૂર્વક માર્ગ કાઢીને વડોદરા પહોંચવાની ફરજ પરસ્તી દાખવી હતી.

વડોદરા ગ્રામ્યના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના 150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું છે. કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનુ પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 90 વેમાલીના 12 વરણામાના 70, ચાપડના 70, દેણાના 90 લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વિરોદ ગામના 20 લોકોનું આજુબાજુના ઉચાંણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *