વરસાદ

વડોદરા માં ફરી પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા 1100 લોકોનું સ્થળાંતર

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની ઉપર આવી ગઇ છે. હાલ તેની સપાટી 27 ફૂટ નજીક આવી ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી 212 ફૂટ થઇ ગઇ છે. વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી સહિતના કાંઠા વિસ્તારના 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. જેથી એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે.

Loading...

વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતા વડોદરા શહેરનાં રેલવે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે.વડોદરા શહેરનાં કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે, નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવું. તકેદારીનાં જરૂરી પગલાં લેવા અને ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે.

વિશ્વામિત્રીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને પૂરની સ્થિતિને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના વેપારીઓ પણ એલર્ટ થઇ ગયા છે.


વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. અને એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, વીજ કંપનીને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપભેર વધી રહેલી સપાટી અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *