વરસાદ

વાવમાં સવારે 6 વાગ્યા સુધી 9 ઇંચ વરસાદ ખાબક્યો, હાઇવે અને ખેતરો માં પાણી ભરાયા

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ વાવમાં વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

Loading...

ઉત્તર ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમો તહેનાત કરાઇ છે. 85 જવાનો સાથેની ત્રણેય ટીમોને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા છે. આ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ્દ કરી આગામી ચાર દિવસ સુધી ફરજ પરનુ સ્થળ ન છોડવા આદેશ કરાયા છે.જ્યારે મોડી રાત્રે પાટણ,સાકરકાંઠા અને મહેસાણામાં ઝાપટાં પડ્યા હતા.

સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની માહિતી જોઈએ તો, અમીરગઢમાં 9 મિ.મી., ભાભરમાં 35 મિ.મી., દાંતીવાડામાં 10 મિ.મી., દિયોદરમાં 102 મિ.મી., ડીસામાં 14 મિ.મી., કાંકરેજમાં 34 મિ.મી., પાલનપુરમાં 04 મિ.મી., થરાદમાં 171 મિ.મી., વાવમાં 230 મિ.મી., વડગામમાં 20 મિ.મી., લાખણીમાં 47 મિ.મી., સુઈગામમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ : અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરજ તાલુકામાં 1.3 ઇંચ, મોડાસા,માલપુર અને ભિલોડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે કપાસ, મગફળી, મકાઈ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હાલ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં આ સિસ્ટમને પગલે આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી:
29મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ત્રણ ચાર દિવસમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા :
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 3થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એજરીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. એજરીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *